:: તબીબી સેવાઓ અને ગ્રાહક સુરક્ષા ::

વ્હાલા ગ્રાહક મિત્રો,

આમ જનતા ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ ગણે છે, પરંતુ વર્તમાન સમયમાં પૈસાને જ પ્રધાનતા આપતા ડોક્ટરોના કારણે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ડોક્ટર અને દર્દી નો સંબંધ વેપારી અને ગ્રાહક જેવો બની ગયો છે.  હાલનાં જમાનામાં વ્યક્તિનો જન્મ થાય એ પહેલાથી જ છેક જીવનનો અંત થાય તે ઘડીએ પણ તબીબી સેવા લેવી પડે છે આમ તબીબી સેવા એ વ્યક્તિના જીવન સાથે વણાયેલ છે.

 • કૂદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારીમાં તબીબી સેવા ખૂબ જ મોંઘી બની છે અને તેમાંય વળી ક્યારેક કારણ વગરની દવાઓ, કમિશન વાળી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ, જથ્થાબંધ રીતે દર્દીઓને પધરાવી દેવામાં આવે છે, તો ઘણીવાર રોગની પૂરતી તપાસ કર્યા સિવાય એટલે કે ખરેખરું નિદાન ન થયું હોય તો પણ એકના બદલામાં બીજા રોગની દવાઓ આપવામાં આવે છે, તો ઘણીવાર અંદરના દર્દીઓની સીધી દેખરેખ રાખ્યા વગર દવાખાનામાં કામ કરતાં પૂરેપૂરા જાણકાર ન હોય તેવા સ્ટાફને હવાલે કરી દઇ ડોક્ટર બેદરકારી દાખવે છે.  અને આવા કારણોસર ઘણીવાર દર્દીનું મૃત્યુ પણ નીપજે છે. ઉપરાંત ઘણા કિસ્સાઓમાં તો જે તે વિષયની જાણકારી ન હોય એવા ડોક્ટરો કે ડિગ્રી વગરના ઉઘાડપગા અને ઊંટવેદો દર્દીના શરીર સાથે ખેલ ખેલતા હોય છે, આજકાલ ઓપરેશનની જરૂર ન હોય તો પણ ખોટી બીક બતાવી ભય ઉભો કરી દર્દીઓના શરીરને ચીરવાનો ધંધો પણ વધી રહ્યો છે.
 • આ પ્રકારની તકલીફ હોય ત્યારે અને આ સિવાય ડોક્ટર દ્વારા બેદરકારી કે સેવામાં ખામી કરવામાં આવી હોય તો એવા ડોક્ટર કે હોસ્પિટલ વિરુધ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરી શકાય છે.

:: તબીબી સેવામાં ખામી ::

 1. વ્યવસાયી તબીબ અને દર્દી વચ્ચેના કોન્ટ્રાક્ટ એ સેવા માટેનો કોન્ટ્રાક્ટ છે. તેથી સેવામાં બેદરકારી કે ખામી હોય તો ડોક્ટર વળતર ચૂકવવા માટે જવાબદાર છે
 2. હોસ્પિટલના કર્મચારીએ કરેલ સેવામાં ખામી કે બેદરકારી માટે કર્મચારી જવાબદાર નથી પરંતુ ડોક્ટર અને હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર છે એટલે કે દર્દી એ કર્મચારીનો ગ્રાહક નથી પરંતુ ડોક્ટરનો ગ્રાહક છે તેથી નર્સિંગ હોમ કે હોસ્પિટલ તેના કાર્યવાહીના કૃત્ય માટે જવાબદાર છે.  
 3. ભારતીય વારસાગત અધિનિયમની કલમ –  ૩૦૬ લાગુ પડતી નથી.  મરનારના વારસદારો  અને કાયદેસરના પ્રતિનિધિઓ મરનારના અનુગામીની તરફેણમાં ઊભા થતાં કોઈ કારણ સાથે વારસદાર બનવા હકદાર છે.
 4. દર્દીની તંદુરસ્તીને હાનિ પહોંચાડે તેવી યોગ્ય કસોટી વિના ઇંજેક્શન આપવાનું સેવામાં ખામી બને છે.
 5. બેદરકારીથી ઇન્જેક્શન આપવાના કારણે દર્દી તેના શરીરનો કોઈ ભાગ ગુમાવે તો તે સેવામાં ખામી બને છે.
 6. સેવાની દેખીતી ખામી હોય તો દર્દીને વધુ પુરાવાની જરુર નથી અને ડોક્ટરને વળતર માટે જવાબદાર બનાવી શકાય. ઉદાહરણ તરીકે ડાબી આંખને બદલે જમણી આંખમાં ઓપરેશન કરવામાં અને જમણી આંખની દૃષ્ટિ ગુમાવી પડી હોય તો તે સેવા ની ખામી ગણાય છે.
 7. શિરાને બદલે ઘોરી નસમાં ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે દર્દીને કેટલીક બીજી વિકૃતિ આવે તો તે સેવાઓની ખામીઓ બને છે.
 8. શસ્ત્રક્રીયા દરમિયાન પેટની અંદર ચીપિયો કે બીજી અન્ય વસ્તુ રહી ગઈ હોય તો તે સેવામાં ખામી ગણાય છે.
 9. દર્દીની શસ્ત્રક્રીયામાં ડોક્ટર દ્વારા અપનાવાતી ખોટી રીતો ચેપમાં પરિણમે છે અને દર્દીને બીજી કેટલીક શસ્ત્રક્રિયા કરાવી પડે છે તો તે સેવામાં ખામી બને છે.
 10. પ્રસુતિગ્રહ કે હોસ્પિટલ બેભાન બનાવવાની સેવા ભાડે કરે અને મરનાર અને બેભાન બનાવનાર વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટનો સંબંધ ન હોય તો મરનાર બેભાન બનાવનારની સેવાનો લાભ લે છે.  તેના માટે દર્દી પોતે ફી ચૂકવે છે અને તેથી ખામી માટે બેભાન બનાવનાર જવાબદાર છે.
 11. દર્દીએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો તે ગ્રાહક નથી પરંતુ દર્દી પાસેથી કોઇ નાણાં વસૂલ કરવામાં આવે તો પછી દર્દી ગ્રાહક છે.
 12. શસ્ત્રક્રિયામાં ડોક્ટર ઓપરેશન શરૂ કરે તે પહેલા દર્દી જે ગ્રુપનું લોહી લોકોમાં ઓછું જોવા મળતું હોય તેવું લોહીનું ગ્રૂપ ધરાવતો હોય એમ જાણવા છતાં રક્તનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો ન હોય તો તે સેવા ની ખામી બને છે કારણ કે ડોક્ટરે સામાન્ય કાળજી અને ખંત રાખી નથી.
 13. સૂચવેલ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે ટાંકા તોડવાના બહાને લેખિત સંમતિ વિના બીજી શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તે સેવામાં ખામી ગણાય છે કારણકે પ્રથમ શસ્ત્રક્રીયા કરવામાં રહેલી બેદરકારીને કારણે બીજી શસ્ત્રક્રીયા જરૂરી બને છે.
 14. લોહી વહી જવાના કારણે ગંભીર વિકૃતિઓ આવે તો તબીબી બેદરકારી ગણાય.
 15. વર્તનના કાયદા પ્રમાણે સારવાર આપવામાં ચૂક દર્દીને કાયમ માટેની ખોડમાં પરિણમે છે તો તે સેવામાં ખામી ગણાય છે.
 16. ગર્ભાશયમાં જોડીયા બાળક પારખવામાં સોનોગ્રાફીનો અહેવાલ ખોટો ઠરે તો દર્દી વધુ સંભાળ રાખતુ અટકે છે અને તે સેવામાં ખામી બને છે.
 17. ચીપિયા દ્વારા ઉતાવળમાં કરાવેલ પ્રસૂતિ રક્તસ્રાવમાં પરિણમે છે અને વિપુલ પ્રમાણમાં વહી જતું રક્ત બંધ કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તે સેવામાં ખામી છે.  
 18. બાળકના કોઈ ભાગમાં લકવો, દબાણપૂર્વક ચીપિયા દ્વારા કરાયેલ પ્રસૂતિ નુ પરિણામ હોય તો તે સેવામાં ખામી બને છે.
 19. લોહી આપવા માટે મલિન લોહીનો ઉપયોગ કરવામાં આવે અને દર્દી હિપેટાઇટિસ – સી ના હુમલાનો ભોગ બને તો તે સેવામાં ખામી બને છે કારણ કે ડોક્ટરે જરૂરી સંભાળ અને સાવચેતી રાખી નથી.
 20. સલાહકાર ડોકટરની બેદરકારી માટે બીજાના વતી હોસ્પિટલ જવાબદાર છે.
 21. ફાર્મસીમાંથી ખોટી દવાઓ પૂરી પાડી હોય તો તે ફાર્મસી માટે સેવાની ખામી બને છે
 22. દવાવાળાએ ખરી દવા આપી છે કે કેમ ? તે નર્સ અથવા ડૉક્ટર તપાસી જુએ તે સિવાય દર્દીને દવા આપવામાં આવે તો તે ડોક્ટર માટે સેવામાં ખામી બને છે.
 23. એ નેગેટિવ’ને બદલે એ પોઝિટીવ લોહી આપવામાં આવે તો તે ખંતની ખામી દર્શાવે છે જે સેવા ની ખામી બને છે.
 24. ઘા રુઝાયો છે કે કેમ ? તેની તપાસ કર્યા વીના ટાંકા તોડવામાં આવે તો શસ્ત્રક્રિયા પછીની કાળજીમાં બેદરકારી ગણાય.
 25. હોમિયોપેથી ડોક્ટર વૈદ્યાનિક ફરજ હેઠળ હોય છે. તેણે એલોપેથીક કે બીજી કોઈ તબીબી પદ્ધતિના ક્ષેત્રે કામ કરવું ન જોઈએ.
 26. બ્લડ શુગરના સ્તરની ખાતરી કર્યા વિના દર્દીને ઊંચું બ્લડ શુગર હોય ત્યારે નસ ની અંદર ગ્લુકોઝ ટીપે-ટીપે આપવામાં આવે તો કોર્ટમાં ફરિયાદ કરી શકાય તેવી બેદરકારી બને છે.
 27. દર્દીમાં કોઈ વિકૃતિ ન હોય અને ક્લોરોક્વિન ઇન્જેક્શન આપવાથી ઢળી પડે તો તે સેવાની ખામી ગણાય છે.
 28. દવાની માત્રા (ડોઝ) નું નિયમન ન કરવાને કારણે તબીબી ગૂંચવાડાના કેસમાં દર્દી વળતર માટે હકદાર બને છે.

:: દર્દી ગ્રાહક તરીકે ધ્યાનમાં રાખવાની બાબતો ::

ડોક્ટરે તો દર્દીને સંભાળ રાખવી તે તેની ફરજ છે પણ ગ્રાહકે (દર્દીએ) પણ કાળજી લેવી જોઈએ તબીબી બેદરકારી માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતી વખતે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે દર્દીએ નીચે મુજબની સાવચેતી અવશ્ય રાખવી જોઈએ.

 1. દર્દીએ જે કોઈ સારવાર લીધી હોય તેની રેકોર્ડ નોંધ રાખવી જોઈએ.
 2. દવાની નોંધ પહોંચ અને અન્ય હોસ્પિટલ રેકોર્ડની કાળજીપૂર્વક જાળવણી કરવી જોઈએ
 3. દર્દીએ રાખ યાદ રાખવું જોઈએ કે તેમણે આપેલ સંમતી પત્રક કોર્ટમાં તેમની સામે રજૂ કરવામાં આવશે તેથી સહી કરતા પહેલાં સંમતિ પત્રક ની વિગતોની ખરાઈ કરવી જોઈએ.
 4. હોસ્પિટલમાંથી છૂટા કર્યા પછી દર્દીએ ડોક્ટરની સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ તેમાં ચૂક માટે દર્દી દવાખાના/ડોક્ટર સામે ફરિયાદ ન કરી શકે.  
 5. સારવારથી કોઈ સુધારો ન જણાય તો દર્દીએ બીજા ડોક્ટરની સલાહ લેવી ખાસ કરીને અમુક ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી દર્દીએ એ સમજવું જોઈએ કે ડોક્ટરો કોઈ જાદુગર નથી મટે નહીં તેવા રોગોમાં તેઓ કોઈ જાદુઇ ચમત્કારથી સાજા કરવાની ખાતરી આપી ન શકે
 6. દરેક કેસ માટે કંઈ ખોટું થતું હોય ત્યાં ડોક્ટર આપોઆપ જવાબદાર નથી ખોટી સારવાર આપી હોય તો જ જવાબદાર બનશે
 7. દર્દીએ નિદાન કર્યા પ્રમાણે સૂચનાઓનું ધ્યાનપૂર્વક પાલન કરવું.
 8. સુસંગત રેકર્ડની જાળવણી કરવી.
 9. ડોક્ટર પૂછે ત્યારે દર્દીએ કોઈ માહિતી છુપાવવી નહીં દર્દીને થયેલ રોગો ની આગળ ની વિગતો આપવી જોઈએ.
 10. નવી દવા લેતી વખતે તેની ખરાઇ કરવી કે કોઈ ચાલુ દર્દી માટે દર્દીએ નિયમિત દવા ચાલુ રાખી છે કે કેમ ?
 11. નિયત દવાઓને મેડિકલ સ્ટોર્સવાળાએ આપેલ દવા સાથે તપાસવાનું રાખો
 12. દવાઓની મુદત પૂરી થવાની તારીખ તપાસો.
 13.  નિકાલ પાત્ર સોય અને સિરિંજ જ વાપરવામાં આવે છે તેની ખાતરી કરો
 14. રક્તના જૂથની ચકાસણી અને રક્તદાન કરનાર સાથે ક્રોસ મેચિંગ કરવાનું રાખો.
 15. મોટી બીમારી માટે બીજો અભિપ્રાય મેળવો.
 16. ખર્ચ અંગે અગાઉથી તપાસ કરી લેવી.
 17. દરેક વ્યક્તિની સલાહ માટે અથવા રૂબરૂ મુલાકાત માટે સલાહ માટેની ફી અગાઉથી આપવાની હોય છે કે કેમ ? તેની ખાતરી કરો.
 18. લેબોરેટરીના અહેવાલ માટે સલાહ ફી લેવાની નથી.

જો તમારી કોઈ ફરિયાદ હોય તો સંપર્ક કરો
“શ્રી જાગૃત નાગરિક”, ગ્રાહક સુરક્ષા મંડળ
ડીસા

English Gujarati Hindi
Supportscreen tag