
શું તમે ખેડુત છો ?
ગ્રાહક સુરક્ષા ના કાયદા મુજબ ખેડૂત એક ગ્રાહક છે ત્યારે તમારા ખેડૂત ગ્રાહક તરીકેના અધિકારો જાણવા જરૂરી છે…
તમે ગ્રાહક તો છો જ પરંતુ શું તમે જાગૃત ગ્રાહક છો ?
કહેવાય છે ગ્રાહક બજારનો રાજા છે પણ તમને ગ્રાહક તરીકેના અધિકારો ની ખબર છે ?
તમને ખબર છે તમારા ખેડૂત ગ્રાહક તરીકેના અધિકારો શું છે ?
ખબર છે તમને છેતરનાર વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકો છો ? અને છેતરનાર વેપારીને કેવી સજા કરાવી શકો છો ?
શું તમે ખાતર દવા કે અન્ય કોઈપણ ખરીદીમાં કોઈ દુકાનદાર થી છેતરાયા છો ?
શું તમે જે બીજ ની ખરીદી કરી વાવણી કરી ને તે નથી ગયા અથવા તેનો વિકાસ નથી થતો ?
શું તમે ઉગાડેલ બી ઉગે છે પણ તેના ઉપર ફળ નથી આવતા ?
શું એવું બને છે કે ફળ આવે છે પણ અંદરથી ખરાબ થઈ જાય છે ?
શું તમારો પાક તમે ખરીદ કરેલ બી ખરાબ હોવાના કારણે નિષ્ફળ ગયેલ છે ?
શું તેમ છતાં તમને છેતરનાર વેપારીને રજૂઆત કરતાં તે તમને નથી સાંભળતા ?
આવા ખરાબ બી નું વિતરણ કરનાર વિક્રેતાને તમે જાગૃત ગ્રાહક તરીકે સજા કરાવી શકો છો.
શું ખેડૂત ગ્રાહક તરીકે તમારી સાથે છેતરપિંડી થઈ છે ? કહેવાય છે કે ખેડૂત જગતનો તાત છે પણ આ જગતના તાત ને હલકી કક્ષાનું બિયારણ આપી કેટલાક વેપારીઓ છેતરે છે અને ખેડૂતનો પાક નિષ્ફળ જવાથી જગતનો તાત પાયમાલ બની જાય છે ત્યારે કાયદો તમને શું મદદ કરી શકે ? અને તમે શું ધ્યાન રાખશો તે અવશ્ય જાણી લો…..
:: બિયારણ ખરીદતી વખતે આટલું યાદ રાખો ::

તમે બિયારણ કે દવા ખરીદી કરવા જાવ ત્યારે એટલી બાબતોની કાળજી રાખો.
- તમે ખરીદ કરેલ થેલી ઉપર
- વજન – એમ આર પી
- વિશ્લેષણ તારીખ – એક્સપાયર ડેટ
- કંપનીનું નામ – બી સાથે ઉત્પાદક કંપની નું સર્ટીફીકેટ છે કે કેમ ? (જે હોવું જરૂરી છે)
- સર્ટીફીકેટ કોણે આપ્યું છે – કઇ કક્ષાનું બી છે એના ઉપર લોટ નંબર પણ લખેલો હોવો જોઈએ કે બી ક્યારે વપરાય તે ક્યારે ઉપયોગમાં લેવાય
- જે.બી નો નમુનો બતાવવામાં આવ્યો એ જ નામ નું બિયારણ તમને આપવામાં આવ્યું છે કે બીજું
- ઉપરાંત ખરીદ કરેલ વસ્તુ નું બિલ અચૂક લેવું તેમજ ધ્યાન રાખવું કે બિલ હોવું જોઈએ એસ્ટીમેન્ટ નહી. બિલ ઉપર દુકાનદારનું નામ સરનામું, સહી સિક્કો હોવા જોઈએ માટે બિલ અવશ્ય લેવું અને સાચવીને રાખવું
- જો તમે આટલું કરશો તો જ છેતરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકશો.
:: વાવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ::

- વાવેતર કરતી વખતે બિયારણના એક – બે મુઠ્ઠી બીજ થેલીમાં રાખી બિયારણ અને થેલી રાખી મૂકો જેથી તમે વાવેલા બી ન ઊગે ત્યારે બીજાની જમીનમાં વાવી ચકાસણી કરી શકાય છે અથવા બીને લેબોરેટરીમાં મૂકવામાં કોર્ટમાં સાક્ષી તરીકે રજુ કરવા કામ લાગે કે જેથી ચોક્કસ પુરાવો બની શકે.
- તે જ રીતે દવા અને ખાતરના પણ પેકિંગ ડબ્બા ખાલી થેલીઓ અને બીલ વગેરે સાચવી રાખો.
- જ્યારે પણ પાક નિષ્ફળ જાય તો તેનું કારણ નકલી બિયારણ હોય તો સમયસર ખેડૂત ઇન્સ્પેકટરને ફરિયાદ કરવી, પંચનામા કરાવવા, નિષ્ફળ પાક ના ફોટા લેવા, લેબોરેટરી ટેસ્ટ કરાવવા, અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવી
- આમ છતાં કંઈ ખબર ન પડે તો સલાહ માટે ગ્રાહક સુરક્ષા મંડળ નો સંપર્ક કરવો
- વાવણી અંગે થતા ખર્ચની તમામ હિસાબ ખેડૂતે જાતે રાખવું જેમકે –
- બિયારણ ની કિંમત
- જંતુનાશક દવાનો ખર્ચ
- ખાતર ની કિંમત
- મજૂરી નો ખર્ચ
- ખેડ અને પાણી વપરાશના ખર્ચ અને બીજા લાગતા વળગતા ખર્ચ થાય તે તમામ લખી રાખવા જેથી કોર્ટ કાર્યવાહીમાં કેટલો દાવો કરવો અને કેટલા નુકસાનનું વળતર માંગવું તે નિશ્ચિત થઈ શકે
:: કાર્યવાહી કરવાની પદ્ધતિ રીત::
તમે સીધા ગ્રાહક આયોગમાં જઈ શકો છો અથવા ગ્રાહક સુરક્ષા મંડળ માં જઈ ફરિયાદ આપી શકો છો જેમાં તમારું નામ સરનામું, જેની સામે ફરિયાદ કરવાની હોય તે ઉત્પાદક કંપની, તેના વિક્રેતાના નામ-સરનામા, બનાવનો દિવસ, ફરિયાદની વિગત, કોઈ કાર્યવાહી કરી હોય, જેટલું નુકસાન થયું હોય તેની સાથે બીલ અને કોઈ પુરાવા હોય તો તે તમામ સાથે અરજી કરવી.
:: ફરિયાદ કરવાથી મળવાપાત્ર રાહતો ::
- માલ બદલી અપાવી શકાય
- માલની ખામી કે નુકસાની દૂર કરાવી આપી શકાય
- માલની કિંમત પરત મળી શકે
- નુકશાન બદલ વળતર મળી શકે
- વળતર કે માલની કિંમત ઉપર વ્યાજ મળી શકે
- માનસિક ત્રાસ પડે વળતર મળી શકે છે
- દાદ-ફરિયાદ નો ખર્ચ મળી શકે છે
:: આટલું યાદ રાખો ::
- જે વેપારીઓ અમુક/ફલાણી દવાથી સારો પાક ઉગે છે એમ કહે છે તે લોકોને મૂર્ખ બનાવે છે અને નકલી દવાઓ આપે છે આવી જાહેરાતોથી ભરમાશો નહીં.
- ઘણા વેપારીઓ પાકુ બીલ લેશો તો ટેક્સ ભરવો પડશે એમ કહી ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે આવી વાતો માં આવ્યા સિવાય પાકુ બીલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
- બિયારણની જેમ જ ખેતી ના સાધનો ટ્રેકટર-ટ્રોલી પાક ધિરાણ મશીન ખરીદી કે લોન માટે ના લખાણો વાંચ્યા કે સમજ્યા સિવાય કોઈના કહેવાથી સહીઓ કે અંગૂઠા કરવા નહીં ઘણા કેસોમાં ફાઈનાન્સ કંપનીઓ બેંકના અધિકારીઓ અને ટ્રેક્ટર ના ડિલર મેલાપીપણું કરી ખેડૂતોના નામે મોટી રકમની લોન કરાવિ નાના હડપ કરી ખેડૂતોને દેવામાં ડુબાડે છે માટે આવા કબાડીઓથી સાવધાન રહો.
- તમામ શરતો ગેરંટી કે વોરંટી કાર્ડ લખાણો અને બીલ અવશ્ય લેવાનું રાખો
- કોરા કાગળો માં ક્યારેય સહીઓ ન કરશો.
- ચૂકવેલ નાણાની પહોંચ લેવાનું ન ભૂલશો અથવા નાણાં ચેકથી કે ડી.ડી.થી આપવાનું રાખશો
જો તમારી કોઈ ફરિયાદ હોય તો સંપર્ક કરો
શ્રી જાગૃત નાગરિક
ગ્રાહક સુરક્ષા મંડળ – ડીસા