વીમા પોલિસીની શરતોનો ભંગ થયેલો હોય તોપણ વિમાની 75% રકમ ચૂકવવા વીમા કંપની જવાબદાર – બનાસકાંઠા ગ્રાહક અદાલત.
ગ્રાહકે અમુક શરતોનો ભંગ કર્યો છે એવું કારણ આપી વીમા ક્લેમ નામંજુર કરનાર ધી ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની ને ગ્રાહક અદાલતે લપડાક મારી વીમા ક્લેમ ના ૭૫ % રકમ ૯% વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ સાથે ચૂકવવા હુકમ ફરમાવ્યો છે
ફરિયાદ ની વિગતો મુજબ પાલનપુર તાલુકાના ગઢ મુકામે રહેતા પ્રતાપજી વાલાજી વણઝારા એ પોતાના ટ્રેક્ટર માટે રૂપિયા ૨૫૦૦૦૦/- ની મર્યાદાનો વીમો એશ્યોરન્સ કંપની પાસેથી મેળવેલ હતો અને વર્ષ 2018 ના અરસામાં ગ્રાહકનો ટ્રેકટર ઉદયપુર ખાતેથી ચોરી થઈ જતા ગ્રાહકે પોલીસ ફરિયાદ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ વીમા કંપનીને જાણ કરી ધોરણસર વીમા ક્લેઈમ મુક્યો હતો.
પરંતુ ગ્રાહકો સાથે અનૈતિક વેપાર પદ્ધતિ આચરવા ટેવાયેલી વીમા કંપની એ ટ્રેક્ટર નાણાકીય લાભ કમાવવા માટે ઉપયોગ થતો હતો એવું કારણ આપી વીમા ક્લેમ નામંજૂર કર્યો હતો વિમા કલેઈમ નામંજુર કરતાં ગ્રાહક પ્રતાપજી વાલાજી વણઝારા એ વીમા કંપનીને વીમા ક્લેમ મંજુર કરવા ઘણી આજીજીઓ કરી હતી પરંતુ વીમા કંપની એ ગ્રાહકનું ન સાંભળતા ગ્રાહકે અંતે ગુજરાતની જાણીતી ગ્રાહક હિત, હકક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના ટ્રસ્ટી કિશોર દવે નો સંપર્ક કરી રૂબરૂ લેખિત ફરિયાદ આપી હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ નોટિસ વગેરેની કાર્યવાહી કર્યા બાદ સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક નિવારણ કમિશન સમક્ષ ગ્રાહક ની ફરિયાદ 128/2019 દાખલ કરેલ.
ગ્રાહકની ફરિયાદ ના સમર્થનમાં સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્માએ ધારદાર દલીલો રજુ કરતા ગ્રાહક અદાલતના પ્રમુખ એસ ગઢવી અને સભ્ય બીએમ ત્રિવેદીની જ્યુરીએ દલીલો માન્ય રાખી વીમા ક્લેમ ની ૭૫% રકમ એટલે કે રૂપિયા ૧,૮૭,૫૦૦/-, ફરિયાદ દાખલ થયા થી ૯% વ્યાજ સાથે તેમજ રૂપિયા ૧,૫૦૦/ ખર્ચ અને ૧,૦૦૦/- રૂપિયા માનસિક ત્રાસ પેટે મળી કુલ રૂપિયા ૨,૩૦,૬૫૭/- મંજૂર કર્યા હતા.
અને આમ વીમા કંપની સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિના કારણે પોતાના નાણાં ખોઈ ચૂકેલા ગ્રાહકને ન્યાય મળવા પામ્યો છે.